શું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ?
કેવી રીતે લઈ શકે ખેડૂત આનો લાભ ?
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂતને આર્થિક નુકસાનથી બચાવવાનું એક માધ્યમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નવા વર્ષના પહેલા દિવસે ખેડૂતોને મોટી ભેટ આપી છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક વીમા યોજનાને 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.
આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આ નિર્ણયથી 2026 સુધીમાં કુદરતી આફતોના કારણે પાકના જોખમ સામે દેશભરના ખેડૂતોને કવરેજ આપવામાં મદદ મળશે. આ ઉપરાંત અમલીકરણમાં મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ યોજનાની પારદર્શિતા સુનિશ્ચિત કરશે, દાવાની ગણતરી અને પતાવટમાં વધારો થશે આ માટે કેન્દ્રીય કેબિનેટે રૂ. 824.77 કરોડ મંજૂર કર્યા છે.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શું છે?: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ પાક વીમા યોજના છે, જે તમામ અણધારી કટોકટીમાંથી ઉદ્ભવતી અનિશ્ચિતતાઓને કારણે પાક નિષ્ફળ જવાને કારણે થતા આર્થિક નુકસાનથી ખેડૂતને બચાવવાનું એક સાધન છે.
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ઉદ્દેશ્ય: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં ટકાઉ ઉત્પાદનને ટેકો આપવાનો છે. તે અણધારી ઘટનાઓને કારણે પાકના નુકસાન/નુકશાનથી પીડાતા ખેડૂતોને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. આ ઉપરાંત આ યોજનાનો હેતુ ખેડૂતોની આવકને સ્થિર કરવાનો અને ખેતીમાં સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે તેમને નવી અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. પાક વીમા યોજના કૃષિ ક્ષેત્રમાં લોનના પ્રવાહને પણ સુનિશ્ચિત કરે છે.